मंगलवार, 1 दिसंबर 2015

દળદાર વિશ્લેષણ : CMનો ‘મુગટ’, તો PMનું ‘મૉડેલ’ દાવ પર


અમદાવાદ – ગુજરાતમાં બુધવારનો દિવસ રાજકીય દૃષ્ટિએ ઐતિહાસિક રહેવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં આવતીકાલે પરિણામો છે અને આ પરિણામો ગુજરાતની આગામી રાજકીય દિશા અને દશા નક્કી કરવાનાં છે, ત્યારે તમામ વિશ્લેષણોથી ‘હટ કે’, એક જુદી જ રીતે આ ચૂંટણીઓને જોઈને જે વિશ્લેષણ અહીં થવા જઈ રહ્યું છે, તેનો સાર એ છે કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં ચોસર પર માત્ર મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનો ‘મુગટ’ જ નહીં, પણ એક ડગલું આગળ વધીને વિચારતાં આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મૉડેલ’ પણ દાવ પર હતાં અને આ બંને તમગાઓનો ફેંસલો આવતીકાલે થઈ જશે.

હવે થોડુંક વિગતે વિચારીએ, તો અહીં મુગટનો સંબંધ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનાં સિંહાસન સાથે છે, તો મૉડેલનો અર્થ છે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું બહુચર્ચિત ગુજરાત મૉડેલ કે જેના બળે તેઓ દેશનાં વડાપ્રધાન બન્યાં.

આવતીકાલે મુગટ અને મૉડેલની અગ્નિ-પરીક્ષા થવાની છે. જોકે મતદારોનો ચુકાદો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (ઈવીએ)માં બંધ થઈ ચુક્યો છે અને પરંતુ પરિણામોની પૂર્વ સંધ્યાએ આ મહત્વનું વિશ્લેષણ સીએમના મુગટને દોઢ દાયકા અગાઉના રાજકીય દૃષ્ટાંતનાં આધારે અને પીએમના મૉડેલને પાટીદાર અનામત આંદોલન દ્વારા અપાયેલ પડકારના કારણે દાવ પર મૂકી રહ્યું છે.

ચાલો, વાત પહેલા સીએમના મુગટની જ કરી લઇએ. એના માટે આપણે 15 વર્ષ પાછળ જવું પડશે. ગુજરાતમાં 2000માં પણ છ મહાનગરપાલિકાઓ અને આ તમામ જે-તે વખતની જિલ્લા-તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી. મુખ્યપ્રધાન હતાં કેશુભાઈ પટેલ. બે વર્ષ પહેલાં જ એટલે કે લોકસભા તથા ગુજરાત વિધાનસભા ચૂંટણી 1998માં ભાજપને જોરદાર બહુમતી મળી હતી, પરંતુ 2000ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટો ફટકો પડ્યો. તેમાં પણ શહેરી જનાધાર ધરાવતાં પક્ષની છાપ ધરાવનાર ભાજપની સત્તા અમદાવાદ સહિત ત્રણ મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસે છીનવી લીધી, તો અનેક જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. દોષનો ટોપલો મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પર ઢોળાયો. પડ્યા પર પાટું સમાન આવી પડ્યો ભૂકંપ.

ચૂંટણીના પરાજયનાં ત્રણ મહિનાની દર જ 26મી જાન્યુઆરી, 2001નાં રોજ આવેલો ભૂકંપ કેશુભાઈ પટેલ માટે પણ રાજકીય ભૂકંપ તરીકે સાબિત થયો. ચૂંટણીઓમાં પરાજય અને પછી ભૂકંપ બાદનાં પુનર્વસન કાર્યોમાં ઢિલાશ, નિષ્ફળતા, ભ્રષ્ટાચાર જેવા આક્ષેપોથી ઘેરાયેલા કેશુભાઈ પટેલ સામે પક્ષમાં વિરોધ વધતો ગયો અને 10 જ માસ બાદ નવેમ્બર-2001માં તેમણે સત્તા છોડવી પડી અને મુખ્યપ્રધાન પદે 7મી નવેમ્બર, 2001નાં રોજ નરેન્દ્ર મોદીએ સોગંદ લીધાં.

આમ, 2000-01નાં એ ઘટનાક્રમો અને રાજકીય બનાવોને જોતાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોતે પણ સમજી ગયા હતાં કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમનું સિંહાસન દાવ પર છે. એટલે જ તેમણે પોતાનાં પુરોગામીને કૉપી કર્યાં. 2000માં ગુમાવેલી મહાનગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર પુનઃ ભાજપનો કબ્જો કરવા 2005માં તે વખતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી પ્રચારમાં ઉતરી પડ્યા હતાં. મોદીએ સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર કરીને પણ એક રેકૉર્ડ નોંધાવ્યો, કારણ કે તેમની પહેલા કોઈ પણ મુખ્યપ્રધાને સ્થાનિક ચૂંટણીઓના પ્રચારમાં ઝંપલાવ્યુ નહોતું. દિવાળી ટાણે યોજાયેલી એ ચૂંટણીઓમાં મોદીએ લોકોને કૉંગ્રેસ રૂપી કકળાટને કાઢવાનું આહ્વાન કર્યું અને સફળ પણ થયાં. છએ મહાનગરપાલિકાઓ પર ભાજપે પુનઃ સત્તા હાસલ કરી. જોકે પછી 2010માં મોદી પ્રચારમાં ન ઉતર્યાં. છતાં ભાજપનો વિજય થયો.

હવે વાત કરીએ પીએમના મૉડેલની. આનંદીબેન સમક્ષ બે-બે કસોટીઓ હતી. પોતાનાં મુગટને બચાવવાની અને પોતાના પુરોગામી નરેન્દ્ર મોદીનાં મૉડેલની પ્રતિષ્ઠા જાળવવાની. એટલે જ આનંદીબેને મોદીની જેમ જ સ્થાનિક ચૂંટણીઓમાં પોતે પ્રચારમાં ઝુકાવવું પડ્યું. ભૂતકાળના રાજકીય દૃષ્ટાંત મુજબ ભાજપ હારે, તો આનંદીબેનનું સિંહાસન ડોલશે, એ વાત નક્કી છે. બીજી બાજુ હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ શાંત ગુજરાતનાં પાણીમાં પાટીદાર અનામત આંદોલન તરીકે કાંકરીચાળો કરી જે વમળ ઊભા કરાયાં, તેને ગુજરાત જ નહીં, પણ રાષ્ટ્રીય કક્ષાએ મોદીનાં વિકાસનાં ગુજરાત મૉડેલ સામે પડકાર ગણવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ એમ ગણગણાટ શરૂ થયો કે જો મોદીનું મૉડેલ યોગ્ય હોત, તો ગુજરાતમાં સંપન્ન સમાજ પાટીદારોએ આંદોલન ન કરવું પડ્યુ હતું.

આમ, આવતીકાલના પરિણામોમાં ભાજપનાં પરાજયનો પહેલો મતલબ મોદીનાં મૉડેલની નિષ્ફળતા તરીકે ગણાશે. બીજો મતલબ આનંદીબેન પટેલની કુનેહ સામે પ્રશ્નચિહ્ન તરીકે ગણાશે અને ત્રીજી બાજુ કૉંગ્રેસને વકરો એવો નફો જેવો ઘાટ રહેશે. જોઇએ આવતીકાલે શું થાય છે?

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें